પતિ, પત્ની ઔર વો…પ્રેમ અને નિશાના જીવન પરથી જાણો તમારી લાઈફમાં તો આવું કશું નથી બની રહ્યું ને???

પતિ, પત્ની ઔર “વો”…

આજે એક એવા મુદ્દા પર નજર નાખીએ જે ઘણાના જીવનમાં એક ઘોંઘાટ સાથે પ્રવેશ કરે છે, છતાં આસપાસનાં લોકોને એ ઘોંઘાટનો જરા સરખો અવાજ સંભળાતો નથી.

મારાં કાલ્પનિક પાત્રો, “પ્રેમ અને નિશા” દ્વારા, હું આ મુદ્દાને સમાજનાં દરેક ખૂણે પહોંચાડવા માંગુ છું. આ કોઈ એક સમાજ, સમુદાય કે નાતની વાત નથી. આ વિશ્વવ્યાપી મુદ્દો છે.

ભારતની એક ઉચ્ચ કંપનીમાં ઉચ્ચ હોદ્દો ધરાવતો “પ્રેમ” અને પોતાને ગૃહિણી કહેવામાં ગર્વ અનુભવતી “નિશા” ની આ વાત છે. પૈસે ટકે સુખી એવા આ પરિવારને જોતા એમ જ લાગે કે સ્વયં ભગવાને આ જોડી સ્વર્ગમાં જ બનાવી હશે. બંનેના માતાપિતા પણ ખૂબ ખુશ. એક્દમ આદર્શ પરિવાર કહી શકાય, અને સમાજમાં દાખલો આપી શકાય તેવો આ પરિવાર હતો.

એક સામાન્ય પરિવારમાં હોય તેવી દિનચર્યા. વહેલા ઊઠીને પ્રેમ અને નિશા પોતપોતાના રૂટિન કામો પતાવે. નવાં લગ્ન થયેલાં એટલે એકબીજાની નાનામાં નાની વાતનું ખૂબ ધ્યાન રાખતાં. સંયુક્ત કુટુંબમાં રહેતાં હોવાથી નિશાને નોકરી કરતાં ઘરને મહત્વ આપવું યોગ્ય લાગ્યું.

લગ્નનાં 6 મહિના બાદ, પ્રેમની મમ્મી, નિશાનાં સારાં સ્વભાવને પોતાનાં પરિજનો પર હાવી થતાં જોઈ, એની ઈર્ષ્યા કરવા લાગી. ઘરમાં સાસુનું ચલણ વધારે એટલે સસરાને બોલવાની છૂટ નહોતી. નિશા સસરાને પોતાના પપ્પા કરતાં પણ વધારે સમ્માન આપતી, એટલે સસરાને પુછતી કે મારાથી ભૂલ થાય તો મને ટોકજો. સસરા પણ નિશાથી ખુશ એટલે પોતાની પત્નીને, વહુને સમજવા માટે કહેતાં અને એને થોડો સમય આપવાનું કહેતાં.

નિશાનાં સાસુને નિશાની સાદગી પણ નડતી. એમને જાણે એક ડર સતાવતો હતો કે ક્યાંક તેમનું પાસું નબળું ન પડી જાય અને પતિ અને દીકરો નિશાની વાત માનવા માંડશે તો તેમનું વર્ચસ્વ નબળું પડી જાશે. નિશા રોજ રાત્રે પ્રેમને આખા દિવસની વાત કહેતી. પ્રેમ એને ધ્યાનથી સાંભળતો.
થોડા સમય પછી, નિશા અને તેનાં સાસુ વચ્ચે ઘરની કોઈ બાબતે ખુબ ઝઘડો થયો. નિશા એ દિવસે ખૂબ રોઈ. એને થયું પ્રેમને વાત કરીશ તો એને નહીં ગમે એટલે તકિયામાં આંસુ સારી લીધાં. સવારે પ્રેમએ તેની સામે જોયું પણ તે સમજી શક્યો નહીં.

દરરોજ આ પ્રમાણે ચાલતું રહ્યું. સાસુ – વહુનાં ઝઘડામાં નિશાનું ધ્યાન પ્રેમ ઉપરથી હટી ગયું. સતત ઘરનાં “વડીલોને” ખુશ કરવાનું વિચારતી નિશા, પોતાનાં લગ્ન જીવનમાં આગળ વધી રહી નહોતી. એક દિવસ તેણે પ્રેમને બધી વાત કરી પણ હંમેશાની જેમ પ્રેમએ તેને સમજાવી દીધું કે જે છે તે આ જ છે. નિશાએ ઘણું જતું કરવું જોઇએ. અથવા એણે સ્વીકારી લેવું જોઈએ કે સાથે રહેવું હશે તો ઘરની રીત પ્રમાણે જ જીવાશે. નિશા માટે આ આઘાત હતો. પ્રેમનાં વર્તનમાં ફેર નિશા જોઈ શકતી હતી.

એવામાં એક રાત્રે મોડેથી પ્રેમના મોબાઇલમાં કોકના મેસેજ આવ્યા. નિશાએ પોતે પ્રેમનો મોબાઇલ પ્રેમનાં હાથમાં આપી કહ્યું કે જુઓ તો.. આટલી રાત્રે કોના મેસેજ છે? પ્રેમએ કહ્યું કે કદાચ ઓફિસમાં બધા હજી કામ કરતાં હશે, એમનો હશે.
સવાર પડી. વળી મોબાઇલ રણક્યો. નિશાને લાગ્યું, હશે કોઈ ઓફિસમાંથી. આ રોજનું થયું. અજાણી નિશાને પોતાના રૂટિનમાંથી ફુરસદ ક્યાં હતી? એક દિવસ પ્રેમ નહાવા ગયો. નિશાએ વહેલી રસોઈ પતાવી દીધી હતી. રૂમમાં સાફ સફાઈ કરવા આવેલી નિશાના હાથમાં ફરી પ્રેમનો મોબાઇલ આવ્યો. અને તેમાં સતત મેસેજ ટોન વાગી રહ્યો હતો. નિશાને થયું, આ કોના મેસેજ આવી રહ્યા છે સવારમાં? મેસેજ ફોલ્ડર ખોલતાં, નામ હતું “પ્રિંસ”. મોબાઇલમાં આવેલા મેસેજ જોતાં જ નિશા જાણે સંતુલન ગુમાવી બેઠી. મેસેજ કાંઈક આ પ્રમાણે હતાં. “જાનુ, જસ્ટ ઘેર પહોંચી ટ્રાવેલિંગ કરીને. તારા વગર આટલાં દિવસ કાઢવા મુશ્કેલ હતાં. પણ શું કરું? આમ તો રોજ તને ઓફિસમાં મળું છું, પણ છેલ્લા ત્રણ દિવસથી તને મળી નથી એટલે હું ખૂબ ડેસ્પરેટ છું તને મળવા માટે. જલ્દી આવજે ઓફિસ.”

નિશાના મગજમાં અને હૃદયમાં તીર વાગ્યા. જાતજાતનાં વિચારો એને કોરી ખાવા લાગ્યા. એને થયું, પ્રેમ બહાર નીકળે તો શું કરી નાખું? તમાચા મારી લઉં? એને ધક્કો મારી દઉં? રોઈ લઉં? શું કરવું?

માનસિક ઉકળાટ સાથે નિશા પ્રેમની રાહ જોઈ રહી હતી. પ્રેમ નહાઇને નીકળ્યો પણ નિશા એક શબ્દ બોલી નહીં. જાણે કાંઈ થયું જ નથી તેમ નિશા રૂમમાંથી બહાર નીકળી ગઈ. પ્રેમ રોજની જેમ ઓફિસ ગયો. નિશાને સાંજ સુધી કેમ સમય કાઢવો, તે સમજાયું નહીં. ઘરકામમાં પણ એનું ધ્યાન નહોતું. ઉપરથી સાસુમાંની રોકટોક.
સાંજ પડી. રોજના સમયે પ્રેમ ઘેર આવ્યો. નિશા રૂમમાં બેઠી હતી. એણે પ્રેમની સામે જોઈ માત્ર એટલું જ પૂછ્યું, “કોણ છે આ પ્રિંસ?” પ્રેમએ જરા વિચિત્ર ભાવ સાથે કહ્યું, “મારી સાથે ઓફિસમાં કામ કરતો ફ્રેન્ડ. ” નિશાએ કહ્યું, તારો પુરૂષ ફ્રેન્ડ ક્યારથી તને “જાનુ” કહીને બોલાવવા લાગ્યો?

પ્રેમને થોડું થોડું સમજાઈ રહ્યું હતું. એણે નિશાને પકડીને કહ્યું, “જે છે, તે આ છે. તને ન ફાવે તો તું તારે ઘેર જઈ શકે છે.” નિશાને કાંઈ સમજાયું નહીં. એણે પૂછ્યું,,” કેમ આવું વર્તન કરે છે? મારો શું વાંક છે?” અને તે રોતાં રોતાં, પ્રેમના “પ્રિંસ” ને જેમતેમ બોલવા માંડી. થોડી વાર પછી પ્રેમએ નિશાને ધક્કો મારીને કહ્યું, “હા, આ સાચું છે. એ પ્રિંસ નહીં, પૂજા છે. અને એને તારે કાંઇ કહેવાની જરૂર નથી. હું જ આ આખા કિસ્સામાં વાંકમાં છું. ” આ સાંભળી, નિશા સ્તબ્ધ થઈ ગઈ. તે ફસડાઈ પડી. રોઈ પણ ન શકી.

બીજા દિવસથી નિશાનું જીવન બદલાયેલું હતું. પ્રેમ સતત તેને અવગણતો. અચાનક થોડાં દિવસ આમ જ રહ્યાં પછી પ્રેમને પોતાની ભૂલ સમજાઈ. નિશાની માફી માંગતા તેણે કહ્યું, “મારી સૌથી મોટી ભૂલને બને તો ભૂલી જજે. મારાથી વિચાર વગરનું પગલું ભરાઈ ગયું છે. ”
નિશાએ કારણ પૂછતાં પ્રેમએ કહ્યું,” તારા અને મમ્મીના ઝઘડાથી હું કંટાળ્યો હતો. રોજ સાંજે ઘેર આવીને તારું ચડેલું મોઢું જોતાં મને ખૂબ કંટાળો આવતો હતો. ઓફિસમાં પણ તારી ફરિયાદો મારા માથામાં વાગતી હતી. હજી હમણાં જ લગ્ન થયા હોવા છતાં, તારી સાથે તારી બાજુમાં સૂવાનું મને અશક્ય લાગતું હતું. એવામાં, ઓફિસમાં મારી સાથે કામ કરતી પૂજા સાથે મેં આપણી પર્સનલ વાતો શેર કરી. એને મેં ઘણી વખત આપણી વચ્ચે ઉભી થયેલી ગેરસમજ વિશે વાત કરી. અને આ વાતો કરતાં કરતાં ક્યારે અમે એકબીજાની નજીક આવ્યાં, તે ખબર જ ન પડી. પણ હવે આ ભૂલ નહીં થાય. મને માફ કરી દે. ”

નિશા કાંઈ બોલી ન શકી. ફક્ત પ્રેમને એણે કેટલું કહ્યું કે,” મોઢું મારું ચડેલું હતું, પણ એનું કારણ તારા ફેમિલી મેમ્બર્સ હતાં. મારી બાજુમાં જો સૂવાનું ગમતું નહોતું, તો તે મને તારી પાસે બોલાવીને એક વાર પૂછ્યું હોત કે નિશા, શું થયું છે તને? હું તરત તારી પાસે આવી જાત. વિશ્વાસઘાત કર્યો એનું દુઃખ નથી મને, પણ તે કારણો જાણવાનો પ્રયાસ પણ કર્યો નહીં, એનું દુઃખ છે મને. જો મારા જીવનમાં તારી મમ્મી ન હોત તો કદાચ આ ઘટનાને અવકાશ ન હોત. ”
નિશાને આ ડંખ કાયમ રહી જાશે. પ્રેમને દર વખતે શંકાસ્પદ નજરમાં જોવાની તેને ટેવ પડશે. અને આ બાજુ પ્રેમને નિશાની માફી મળવી મુશ્કેલ થશે. એક ભૂલ, જીવનભર યાદ રહેશે. સંબંધમાં મીઠાશ લાવવા માટે બંનેએ મહેનત કરવી પડશે.
આ બધામાં, એક વાત સમજવા જેવી ખરી. ઘરમાં ચાલતા અન્યાયને જો અટકાવીએ તો એકબીજાથી કંટાળીને આવી ભૂલો થાય નહીં. આવા કિસ્સાઓમાં ઘણા જીવન બરબાદ થાય છે. પતિ, પત્ની સાથે “વો” નું ટેગ લગાડવું જરૂરી નથી. અને આ “વો” ની કેટેગરીને સમાજમાં કોઈ સ્થાન નથી એ સમજી જ લેવું.

અસ્તુ!!

લેખક : પ્રાપ્તિ બુચ

આવી જ અનેક પ્રેમ અને નિશાની વાર્તાઓ અને સમજવા જેવી વાતો માટે જોડાયેલા રહો અમારી સાથે.

error: Content is protected !!