રણને તરસ હોય ગુલાબની. – વિજય ખુંટ લિખિત લાચાર પિતાનો તિરસ્કાર કરતા પુત્રો અને ઋણ ચુકવતા એક યુવાનની વાર્તા…

રણને તરસ હોય ગુલાબની.

બધાની નજર બસ જજ સાહેબની સામે હતી. એક ખુરશી પર રામનાથજી બેઠા હતા. તેનું ગળુ પણ શુષ્ક હતું. થોડે દુર એના બે દિકરા શુટબુટમાં અપટુડેટ થઈ બેઠા હતા. થોડી થોડી વારે તેના વકિલ તેને દિલાસો આપવા આવતા હતા. કળીયુગના એંધાણસમા ચુકાદાની બધા રાહ જોઇ રહ્યા હતા. વકિલો વારંવાર પુરાવાઓ રજુ કરતા હતા. અંતે જજ સાહેબે પ્રેક્ષકો સામે જોઇને બોલવા પ્રયત્ન કરતા હતા પણ પોતે પણ એક પિતા અને એક પુત્ર હશે એટલે અચકાતા હશે પણ સંવિધાનની રક્ષા કરવા માટે તેઓ મજબુર હશે એવું લાગતું હતું. અંતે બોલ્યા તમામ સાક્ષી અને સબુતોને આધારે ચુકાદો આપવામાં આવે છે કે, રામનાથ રઘુનાથને તેના પુત્રો એટલે ચંદ્રકાન્ત અને સુરેશ સાથે જબરજસ્તીથી ન રહિ શકે. રામનાથ દ્વારા અગાઉ પોતાની અમુક સંપતિની વારસાઇ કરવામાં આવેલ હોવાથી તેમના પુત્રોએ તેમને ખોરાકીના રુપિયા ૬ હજાર દર મહિને ફરજીયાત ચુકવા પડશે. કેસ ઇસ ઓવર,
રામનાથજીની આંખો આંસુથી ભરાઇ ગઈ. એના પુત્રો અને પુત્રવધુને તો જે જોઇતું હતું એ જડી ગયુ. એના માટે દર મહિને ૬ હજાર રુપિયા આપવા કોઇ મોટી વાત નથી. એના મોં પર સ્પષ્ટ હાસ્ય દેખાતું હતું. રામનાથજી માટે તો કોર્ટની બહાર નીકળવું પણ મરવા બરાબર લાગતું હતું. બધા જ કોર્ટમાંથી બહાર નીકળી જાય છે. અંતે રામનાથજી છેલ્લે ધીમા ધીમા ડગલે લાકડીના ટેકે ટેકે ચાલતા ચાલતા બહાર નીકળતા હતા. એ ભુતકાળના સંસ્મરણો તેના માનસપટ પર આવતા હતા.

શાકભાજીની લારી લઈને શાક વેચતા. સવારમાં પાંચ વાગ્યે મોટી માર્કેટમાંથી શાક લેવા જાય. બપોર સુધી લારી લઇને શેરી શેરીએ શાક વેચે. ટાઢ તડકો વરસાદ કોઇ દિવસ જોયું જ ન હતી. તેમના પત્નિ બપોર પછી શાક માર્કેટમાં બેસે અને રામનાથજી એ જ શાકની લારી પર નાસ્તો ગોઠવે. મોડી રાત સુધી લારી પર નાસ્તો વેચે. તેના બે પુત્રો સુરેશ અને ચંદ્રકાન્ત એટલે ચંદુ. રામનાથજી એ નક્કિ કરેલુ કે પોતે જે ભોગવ્યુ જે દિવસો જોયા એવા દિવસો એના દિકરા નહિ જોવે. રામનાથજી બન્ને પુત્રોની લગભગ દરેક ઇરછા પુરી કરતા હતા. તેના પુત્રો જ્યારે નાના હતા ત્યારે ઘણી વાર મદદ કરવા માટે લારીએ આવે તો રામનાથજી કહે અરે દિકરાઓ તમારે આ નથી કરવાનું. તમારે નિયમિત ભણવાનું અને અભ્યાસ કરવાનો છે. તમારે તમારુ ભવિષ્ય ઉજ્જવળ કરવાનું છે. અમારી જીંદગી તો આમા પુરી થઈ જશે પણ તમને તમારુ ભાવિ ઉજ્જવળ બનાવી દઇશ. રામનાથજી તેના દિકરાઓને નાનપ ન લાગે એટલે લારીએ ક્યારેય ઉભા રહેવા કે મદદ કરવા પણ ન આપતા. પોતે ક્યારેક ઘરમાં ખાવાનું ન હોય પણ તેના બન્ને દિકરાઓને શાળામાંથી થતા પ્રવાસમાં મોકલે. વાપરવા માટે પુરતા પૈસા આપે. દરેક જરુરીયાતનું એ ધ્યાન રાખે.
સુરેશ અને ચંદુ બન્ને બન્યા એન્જીનિયર. હવે ઘરની પરિસ્થિતી સારી હતી. રામનાથજીના પત્નિનું અકાળે અવસાન થાય છે. રામનાથજી હવે શાકભાજી ન હોતા વેચતા. બન્ને દિકરાઓએ પોતાની જ જ્ઞાતીની છોકરીઓ સાથે લગ્ન કરી લીધા. હવે રામનાથજીને એમ હતું કે સુખના દિવસો આવ્યા.

ત્યારબાદ રામનાથજીની તબિયત પણ હવે સારી ન રહેતી. જ્યારે પરાવલંબી જીવન વિતાવવું પડતું ત્યારે તેની વહુ અને દિકરાઓનું અસલરૂપ દેખાયુ હતું. પોતાના જ દિકરા સ્વાર્થી અને પરાયા લાગતા હતા પણ હવે તો લાચાર હતા કરવું પણ શુ? બધી જ મિલકત પોતાના દિકરાઓના નામે કરી દિધી હતી. એકવાર રામનાથજીથી દવા પીતા હતા ત્યારે પાણીનો ગ્લાસ ઢોળાઇ ગયો. મોટી વહુએ આ જોયુ. તેને વઢવા મોકો જોતો હતો. એ તો જેમ ફાવે એમ બોલવા માંડી. રામનાથજી પણ સામે બોલ્યા. આ ઘટના ઘણીવાર ઘટવા લાગી. એક સમય એવો આવ્યો કે તેની વહુઓએ કહિ દિધુ કે કા તો તારા બાપને રાખ કા તો અમને. છોકરાઓએ એના પિતાને જાકારો આપ્યો.
બાપુજી અહિ એક નવો વૃધ્ધાશ્રમ છે ત્યા ખુબ જ સરસ સુવિધા છે. તમારી ઉમરના ઘણા બધા વૃધ્ધો છે તમારા મનને પણ ત્યા ગમશે. ત્યા તમને મુકિ જઇએ. રઘુનાથજી તો સ્પષ્ટ સમજી ગયા હતા કે મારૂ પેટ જ હવે મને જાકારો આપે છે. પોતાનો અને પોતાની પત્નીએ દિકરા માટે જે કર્યુ હતું એ પરિશ્રમ અને પરસેવો ચુપ ન રહિ શક્યો. એ બોલી ઉઠ્યા બેટા નાનપણ તમારી ઉમરના છોકરા મારા ઘરમાં બીજા કોઇ ન હતા. તમને અનાથ આશ્રમમાં મુકિ આવ્યો હોત તો આજ મારે આ દિવસ જ ન જોવો પડતે.

સુરેશ ની વહુ બોલી હાથ પગ ચાલ્યા ગયા પણ ડોસાને અકડ નથી જતી.

રામનાથજી અપમાનિત થઇને વૃધ્ધાશ્રમમાં ચાલ્યા ગયા અને કોર્ટના દરવાજા ખખડાવ્યા. સંવિધાન પણ આજ તો તેના દિકરા તરફ લખેલુ હતું. હવે તો રામનાથજી માત્ર એ વિચાર આવતો હતો કે હવે તો મોત ગળે લગાવી લેવું છે. મે જેના માટે મારા સપનાઓ પર પુર્ણ વિરામ મુકિ દિધુ અને એના સપના પુરા કરવામાં લાગી ગયો એ જ મારા સંતાનો સામે મારે કોર્ટે ચડવું પડ્યુ. હે ઇશ્વર આવો તે કેવો ન્યાય કર્યો? આવા અનેક વિચારોનો સમુદ્ર ઘુઘવાતો હતો.
રામનાથજી કોર્ટની બહાર લાકડીના ટેકે ટેકે બહાર આવતા હતા. તેના પગલા પણ હવે ઝડપથી આગળ વધી રહ્યા હતા, ત્યા જ પાછળથી એક અવાજ આવ્યો મમ્મા થોડી વાર તો ઉભા રહો. મારી સાથે વાત તો કરો.
એક શુટબૂટમાં સજ્જ યુવાન ઉભો ઉભો હસતો હતો, રામનાથજીએ પાછળ જોયુ કે આટલા વર્ષો પછી મમ્મા કહેનાર કોણ છે? અચાનક જ યાદ આવ્યુ ચહેરા પણ સ્માઇલ સાથે બોલ્યા અરે બેટા રોહન તું ? આટલો મોટો થઇ ગયો. તે મમ્મા ન કિધુ હોત તો તને ઓળખી પણ ન શક્તે.

રોહન – હા મમ્મા હુ . તમે મને એકલો મુકિ દિધો હતો ને પણ હવે તમારે મારા ઘરે રહેવાનું છે. મમ્મા મે તમને બહુ મિસ કર્યા. મારા લગ્ન પણ થઇ ગયા. મારી પત્નીને હુ કાયમ તમારી વાત કરૂ છુ. એ પણ તમને મળવા માગે છે પણ તમે મળતા જ નથી.

રામનાથજીને ગાડીમાં બેસાડિ રોહન તેના ઘરે લઈ જાય છે. ગાડીમા ફરી રામનાથજી વિચારે ચડે છે કે કુદરત સૌનો હોય છે. કરેલા સારા નરસા દરેક કર્મોનું ફળ મળે છે. રામનાથજીના મોટા બહેન બનેવી અને રોહન એટલે તેનો ભાણેજ એકવાર તેના ઘરે આવે છે. રામનાથજીના ત્યારે નવા નવા લગ્ન થયા હતા. બન્ને પરિવાર હિલ સ્ટેશન ફરવા જાય છે. મામા સાથે રોહન રમવાની મજા આવે છે. ઉડન ખટોલામાં બેસી બધા એક પર્વત પરથી બીજા પર્વત પર જાય છે. પાછા ફરતી વખતે બહેન બનેવીનું ઉડન ખટોલાનો અકસ્માત થાય છે. હવે ત્રણ વર્ષના રોહનની જવાબદારી રામનાથજી ઉપાડી લે છે. રોહનને મા બાપની કમી પુરી કરવા દરેક પ્રયત્નો કરે છે. રોહન નાનો હોય ત્યારે કાલીઘેલી ભાષામાં રામનાથને મામાની જગ્યાએ મમ્મા કહેતો. અને એ ટેવ મોટો થયો ત્યા સુધી યથાવત જ રહિ હતી. હવે તો રામનાથજીને ત્યા બે પુત્રોનો પણ જન્મ થયો હતો. આર્થિક સંકડામણ પણ અનુંભવાતી હતી. રોહન ૧૨-૧૩ વર્ષનો થયો એટલે રોહનના કાકા કાકીએ પ્રસ્તાવ મુક્યો કે અમારે સંતાનમાં એક દિકરી જ છે. કુદરતે આ દિકરાનો પ્રેમ લખ્યો હશે. અમે તેને અમારી સાથે અમેરીકા લઈ જવા માંગીએ છીએ. આમ પણ તમારે બે દિકરા છે. તમારી આર્થિક પરિસ્થિતી પણ બહુ સારી નથી. અમે વિતંતી કરીએ છીએ. જો આપની હા હોય તો.
થોડી હા ના બાદ ભારે મને રોહનને અમેરીકા મોકલ્યો. મામા ભાણેજ ખુબ જ રડ્યા હતા. આજે જ્યારે રોહને કોર્ટમાં બોર્ડ પર નામ વાંચ્યુ ત્યારથી જ એ સતત કોર્ટમાં જ હતો. જ્યારે તેના પુત્રોને ઘરમાંથી કાઢી મુકવાની બાબતો જાણી એટલે પોતે નક્કિ જ કર્યુ હતું કે શુ કરવું?

લક્ઝરી બંગ્લોઝના પાર્કિંગમાં ગાડી ઉભી રહે છે. રોહનની પત્ની ગાડી નો દરવાજો ખોલી રામનાથજીને પગે લાગે છે અને કહે છે બાપુજી તમારા ઘરમાં તમારૂ સ્વાગત છે.

રામનાથજીને આવો ભરપુર પ્રેમ આપનાર પોતાની પત્ની પછી આ બીજુ વ્યક્તિ હશે. રોહન આખુ ઘર દેખાડે છે અને કહે છે મમ્મા આ તમારો પુજા રૂમ આ તમારો બેડરૂમ બધુ જ દેખાડે છે. રામનાથજીને તો કઈ સમજાતું ન હતું કે શુ કરવું?

રામનાથજી થોડી વાર ત્યા બેસે છે. ચા પાણી પીવે છે. પછી કહે છે રોહન હવે મને મુકિ જા. મારે અહિ ન રહેવાય.

રોહન સજળ આખોએ રામનાથજીના પગમાં પડી જાય છે અને કહે છે, મમ્મા મારી શુ ભુલ છે? એ તો કહો. મારા મમ્મી પપ્પાને તો મે બરાબર જોયા ન હતા. પણ તમને જ્યારે જોઉ ત્યારે મને મારા મમ્મી પપ્પા કેવા હશે એ યાદ પણ ન આવતું.

રામનાથજી- પણ બેટા આમ મારાથી અહિ ન રહેવાય.

રોહન- હુ જ્યારે પણ વિચાર કરુ છુ કે તમે જ્યારે મને ઉછેરતા હતા ત્યારે તમારા પોતાના પેટ ભરવાના ફાફા હતા અને તમે મને પ્રેમથી ખવરાવતા. તમે કપરા સંજોગોમાં મારી પરવરીશમાં કમી ન આવવા દિધી. તમારા ઋણમાંથી હુ મુક્ત ન થઈ શકુ પણ એ ઋણને ચુકવવાનો પ્રયાસ પણ ન થાય? શુ કામ મમ્મા ન રહેવાય. મમ્મા તમને ખબર છે બધા મને અનાથ કહે છે. તમે મારા પરથી અનાથનું લેબલ નહિ કાઢી શકો મમ્મા?
રામનાથજી- બેટા તું અનાથ નથી. તું જ તો મારો સાચો દિકરો છે. તું મારુ જ લોહિ છો.

એમ કહિને બન્ને ભેટિ પડે છે. બન્ને ચોધાર આંસુએ રડે છે.

રામનાથજી આલિશાન બંગ્લામાં ચા ની ચુષ્કી લેતા લેતા એટલો જ વિચાર કરે છે કે
રણને તરસ હોય ગુલાબની.

લેખક : વિજય ખુંટ શૌર્ય

વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં જણાવો, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

error: Content is protected !!