રણમાં ખીલ્યું ગુલાબ – ડૉ. શરદ ઠાકરની કલમે વાંચો એક અનોખી વાર્તા…

રણમાં ખીલ્યું ગુલાબ

ભાન ભૂલેલી સાનનો કમાલ કરી ગઇ
કઇ અણજાણી લ્હેર મને વહાલ કરી ગઇ!

વીસ વર્ષની સિલ્કી જ્યારે લંડનના હિથરો એરપોર્ટથી વિમાનમાં બેઠી ત્યારે વાતાવરણનું ઉષ્ણ તામાન ચાર ડિગ્રી હતું, જ્યારે એ મુંબઇની ધરતી પર ઊતરી ત્યારે ચોવીસ ડિગ્રી અને પછી અમદાવાદના વિમાની મથકે ઉતરાણ કર્યું ત્યારે….!e

અમદાવાદમાં તાપમાન ભડકા જેવું હતું. ધોળિયાઓ તો મુંબઇથી જ ચડ્ડી-બનિયન પર આવી ગયા હતા; સિલ્કીએ પણ જીન્સ, જેકેટ, ઓવરકોટ આ બધું કાઢી નાખ્યું હતું. હવે માત્ર ચાર ઇંચની શોર્ટ્સ અને આઠ ઇંચના ઉપવસ્ત્રમાં એની ગુલાબી, સ્નિગ્ધ કાયા પંચાણું ટકા જેટલી અનાવૃત લાગી રહી હતી.

લાઉન્જમાંથી બહાર નીકળીને એણે મોબાઇલ નંબર લગાડ્યો, ‘હેલ્લો, નેશ! સિલ્કી હિયર. હું અમદાવાદ આવી ગઇ છું.’

નેશ એટલે નિષ્કામ. બંને ક્યારેય મળ્યાં ન હતાં; પણ સિલ્કીના પપ્પાએ દીકરીને કહ્યું હતું, ‘ તારે ઇન્ડિયા જોવું છે ને? તો મારા બાળપણના ભાઇબંધ ત્રિભુવનના ઘરે જ રોકાજે. એનો દીકરો નિષ્કામ લગભગ તારી જ ઉંમરનો છે. એ તને જોવા જેવાં સ્થળોએ લઇ જશે. હું તને એનો નંબર આપું છું.’

પપ્પાએ નંબર આપ્યો એ તો સિલ્કીએ ‘સેવ’ કરી લીધો, પણ નામ શું લખવું? નિષ્કામ જેવું અઘરું નામ તો લખતાં કે બોલતાં એને દસ વર્ષ લાગી જાય; એણે લખી નાખ્યું- નેશ!
નેશે જવાબ આપ્યો, ‘મારા દેશમાં તારું સ્વાગત છે. હું જાતે નથી આવી શક્યો. કાર મોકલાવી છે. ડ્રાઇવરનો નંબર આપું છું. તું વાત કરી લે. હું અત્યારે ગામડે જ છું. અહીં આવતાં લગભગ ચારેક કલાક થશે.
‘ગામડું? યુ મીન વિલેજ? ઓહ્ નો!’ સિલ્કીનો રેશમિયો અવાજ તરડાઇને કંતાનિયો બની ગયો. પણ એની પાસે બીજો કોઇ વિકલ્પ ન હતો. પપ્પાએ ભારપૂર્વક ભલામણ જો કરી હતી!

ચમકતી ક્રીમ કલરની મર્સિડીઝ કાર આવીને સિલ્કીની આગળ થંભી ગઇ. સિલ્કીના ગળામાં રેશમ પાછું ફર્યું, ‘વાઉ! આઇ લવ ધિસ કાર! થેન્ક યુ!’ કહીને એ કારની પાછલી સીટ પર બેસી ગઇ. ડ્રાઇવરે એની મોટી બેગ અંદર ગોઠવી દીધી.

અમદાવાદના ખચાખચ ટ્રાફિકમાંથી પસાર થતાં એનાં મોંમાંથી ભારત માટે ‘સ્વસ્તિ વચનો’ બહાર પડવા લાગ્યાં: ‘ઓહ્ શિટ! વ્હોટ એન અનસિવિલાઇઝ્ડ ટ્રાફિક! ટૂ મેની પીપલ! ટૂ મચ નોઇઝ! ટૂ મચ પોલ્યુશન! તમે લોકો આવા ડર્ટી કન્ટ્રીમાં રહો છો? માય ગોડ!!’

ડ્રાઇવર દર્પણ કોઇ ધંધાદારી ડ્રાઇવર ન હતો, નિષ્કામનો મિત્ર જ હતો. એણે ટૂંકો જવાબ આપ્યો, ‘બહેન, આ ગંદા દેશમાં જ તમારા ધોળિયાઓ બસો વર્ષ રહી ગયા છે. એ ગયા ન હતા, એમને અમારે કાઢવા પડ્યા હતા.’

સિલ્કી ચૂપ થઇ ગઇ. અમદાવાદ છોડીને કાર હાઇ-વે પર દોડવા લાગી. હવે કંઇક સારું લાગતું હતું. રસ્તો સારો હતો. ટ્રાફિક પણ સહેજ હળવો હતો. ચાર કલાકના પ્રવાસના અંતે મર્સિડીઝ એક ગામડામાં પ્રવેશી. શરૂઆતમાં જ એક મંદિર આવ્યું. દર્પણે કાર ઊભી રાખી દીધી, ‘બહેન, આ હનુમાનદાદા છે. દર્શન કરી લો. પછી જ અમારા ગામમાં જઇ શકાશે.’

‘દર્શન?!?’

‘યસ, હી ઇઝ અવર લિવિંગ ગોડ! હી ઇઝ અવર ટોલ ટેક્સ મિનિસ્ટર. ઇફ યુ ડોન્ટ પે ટેક્સ હિયર, યુ કાન્ટ મૂવ એન ઇંચ એહેડ!’ દર્પણે જવાબ આપ્યો. સિલ્કી ચોંકી ગઇ. એ સમજી ગઇ કે આ માણસ દેખાય છે એવો નથી જ નથી. એને બધું ભેદી લાગવા માંડ્યું.

હનુમાનજીની મૂર્તિની સામે આવાં કપડામાં ઊભાં રહેતાં સિલ્કીને શરમ આવી; કદાચ દર્પણ આવું જ ઇચ્છતો હતો.

ગાડી આગળ વધી. સિલ્કીના આશ્ચર્યમાં ઉમેરો થતો જતો હતો. ક્યાં અમદાવાદ જેવા મોટા નગરની ગંદકી! અને ક્યાં આ ગામડાંની સ્વચ્છતા!

‘અમારા ગામને ગયા વર્ષનો ‘મોસ્ટ ક્લીન વિલેજ’નો એવોર્ડ મળ્યો છે.’ દર્પણે એને માહિતી આપી, ‘આખા ગામમાં ઘૂમી વળો; તમને ક્યાંય કાગળનો ડૂચો કે પ્લાસ્ટિકની કોથળી જોવા નહીં મળે.’

સિલ્કીને લાગ્યું કે એ ઇંગ્લેન્ડના કોઇ ટાઉનમાં ફરી રહી છે! મકાનો બધાં હારબંધ હતાં. દરેકના આંગણમાં એકાદ વાહન ઊભું હતું.

‘લાગે છે કે અહીંના લોકો ‘રિચ’ છે; તમારા ગામમાં કોઇ મોટી ઇન્ડસ્ટ્રી હોવી જોઇએ.’

‘આ પ્રશ્નનો જવાબ અમારા નિષ્કામ પાસેથી જાણી લેજો; ઘર આવી ગયું.’ દર્પણે એક બેઠા ઘાટના બંગલા પાસે મર્સિડીઝ ઊભી રાખી. ‘વાઉ! બ્યુટિફુલ હાઉસ!’ બોલતી સિલ્કી બહાર નીકળી. દર્પણે એનો સામાન કાઢ્યો.

‘વેલકમ, સિલ્કી! માયસેલ્ફ નિષ્કામ.’ બારણામાં ઊભેલા સોહામણા જવાને બે હાથ જોડીને આ પરદેશી અપ્સરાનું સ્વાગત કર્યું. સિલ્કી એને જોઇ રહી. ઝભ્ભા-લેંઘામાં નિષ્કામ સાદગીભર્યો પણ સોહામણો લાગી રહ્યો હતો.

સ્વાદિષ્ટ ભારતીય ભોજન. આત્મીયતાપૂર્ણ આતિથ્ય. આરામદાયક, અલાયદો શયનખંડ. આ ઘરમાં શહેરી-જીવનની તમામ સારી સારી બાબતો ઉપલબ્ધ હતી અને સાથે તમામ ગ્રામીણ લાગણી અને અંગત સ્પર્શ પણ અનુભવી શકાતાં હતાં.

‘તું શું કરે છે, નેશ?’ નમતી બપોરે ચા પીતાં પીતાં સિલ્કીએ પૂછ્યું.

‘હું ખેડૂત છું. તું ચા પી લે. પછી હું તને મારી ઓફિસ બતાવું.’

‘ઓફિસ?!’

નિષ્કામ હસી પડ્યો, ‘મારી ઓફિસ એટલે મારું ખેતર. તને મજા આવશે.’

સિલ્કીએ વિચાર્યું કે ગામડાનું ખેતર તો કેવું હશે! પણ સાંજે નિષ્કામ એને સ્થળ પર લઇ ગયો ત્યારે એ આભી બની ગઇ. આવડું મોટું ખેતર તો એણે કલ્પનામાં પણ વિચાર્યું નહોતું.

નિષ્કામને ફરી પાછું હસવું આવી ગયું. ‘તારું જડબું આમ લટકી કેમ ગયું છે? આખું ખેતર મારું એકલાનું નથી. અમે સાત મિત્રો કોલેજમાં સાથે ભણતા હતા. બધાનાં ખેતરો 40-50 વીઘાનાં હતાં; અમે નક્કી કર્યું કે સાતેય ખેતરો ભેગાં કરી દઇએ. છેલ્લાં ત્રણ વર્ષથી અમે સામૂહિક ખેતી કરીએ છીએ. ખર્ચ બચી જાય છે. અને ઊપજ વધી જાય છે.’

‘કોલેજમાં? યુ મીન……યુ આર……?’ સિલ્કી આ ઝભ્ભાધારી યુવાન સામે નિરખી રહી.

‘સિલ્કી, આઇ એમ એ ગ્રેજ્યુએટ ફ્રોમ આઇ.આઇ.એમ.! નામ સાંભળ્યું છે અમારી ઇન્સ્ટિટ્યુટનું?’

સિલ્કીનું જડબું પાછું લટકી પડ્યું. આંખો પહોળી થઇ ગઇ. ‘તું… તમે… મેનેજમેન્ટના સ્ટુડન્ટ?! અત્યારે આ ગામડામાં?’

‘હા, સિલ્કી. આ દેશની આ જ મોટી કમનસીબી છે કે ઉચ્ચ શિક્ષણ પામેલાં યુવાનો અને યુવતીઓ એવું માની બેઠાં છે કે એમનું સ્થાન મેગા કે મેટ્રો સિટિઝમાં જ હોવું જોઇએ. પણ હું આવું નથી માનતો. જો મહાત્મા ગાંધીજીના સપનાનું ભારત બનાવવું હશે તો ગ્રામોદ્ધારનું કામ કરવું જ પડશે; અને આ કામ ઉચ્ચ શિક્ષણ પામેલા યુવાનો જ વધુ સારી રીતે કરી શકશે. બસ, એક જ પળમાં અમે સાતેય મિત્રોઓ આ નિર્ણય લઇ લીધો… એન્ડ હિયર વી આર…!’

સિલ્કીના દિમાગમાં ઉઘાડ થતો ગયો; એને હવે સમજવા લાગ્યું કે એના પપ્પાએ શા માટે એને આવું કહ્યું હતું, ‘સિલ્કી, તું હવે મેરેજ માટે ઉંમરલાયક થવા લાગી છે. મારાં મૂળિયાં હિંદુસ્તાનની માટીમાં છે. હું ઇચ્છું છું કે તું એક વાર ઇન્ડિયા જઇ આવ. ત્યાં મારા બચપણના દોસ્ત ત્રિભુવનના દીકરા નિષ્કામને મળજે. પછી તું જો ઇચ્છીશ તો હું તને અહીંના કોઇ પણ કાળિયા કે ધોળિયા સાથે લગ્ન કરવાની હા પાડી દઇશ. પણ એક વાર તું…’ અને નિષ્કામને જોયા પછી સિલ્કીના મનમાં એને વધુ ને વધુ જાણવાની ઇચ્છા તીવ્ર બની રહી હતી.

પરદેશમાં રહી હતી એટલે એનામાં એ શિષ્ટાચાર તો હતો જ કે કોઇને એની આવક વિષે ન પુછાય. પણ મનમાં કૂદાકૂદ કરી રહેલી જિજ્ઞાસાને શાંત પાડવા માટે સિલ્કીએ જુદી રીતે પૂછી લીધું, ‘નેશ, આ ખેતીમાં તમે ‘સર્વાઇવ’ થઇ શકો છો?’

‘સર્વાઇવ?!’ અરે, ખેતીમાં તો માણસ જો ધારે તો ફ્લરિશ થઇ શકે. અમારે ત્યાં જૂના જમાનાથી કહેવત ચાલી આવે છે. ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી. મેગા સિટીની ભીડભાડમાં પચીસ બાય પંદરની કેબિનમાં બેસીને ગળાકાપ સ્પર્ધામાં કાળા ગોરખધંધા કરીને જીવવું એના કરતાં આ ખુલ્લા આસમાન હેઠળ ધરતીનો ખોળો ખૂંદવો એ લાખ ગણો બહેતર છે. જો વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવામાં આવે તો ચમત્કારિક પરિણામ મળી શકે છે.’

નિષ્કામે બધું બતાવ્યું. અનાજ સાચવાનું ગોડાઉન, પોટેટો કોલ્ડ સ્ટોરેજ, ગૌશાળા, ડેરી, જળસંચયની કામગીરી અને કેટલાક દુલર્ભ પાકો લેવાનું સાહસ.

‘એ બધું જે હોય તે, પણ તમે લોકો સિટી-લાઇફને તો મિસ કરતા જ હશો ને? આખી જિંદગી આ રીતે સાદા ઝભ્ભા-લેંઘામાં જ કાઢવાની ને?’ સિલ્કીના સવાલના જવાબમાં નિષ્કામ બીજા દિવસે એને અમદાવાદ લઇ ગયો. એક હજાર ચો.વારનો બંગલો હતો. સાત ગાડીઓ હતી. અત્યાધુનિક ઇન્ટિરિયર અને ચારે કોર રેલાતો વૈભવ હતો.

‘સિલ્કી, તું શું માને છે? અમે કેટલું કમાતા હોઇશું? અમારું ગામડું તમામ પ્રવૃત્તિઓમાંથી અમને વરસે દહાડે દસેક કરોડ રૂપિયા કમાવી આપે છે. એમાંથી સાત સરખા ભાગ પડે છે. જ્યારે અમને શહેર સાંભરે છે ત્યારે અહીં આવી જઇએ છીએ. મારા વોર્ડરોબમાં યુરોપ-અમેરિકાનાં તમામ બ્રાન્ડેડ ક્લોધ્ઝ છે. મારી પાસે માટીની મહેક પણ છે અને પેરિસનું પર્ફ્યુમ પણ છે. બસ, હવે તલાશ છે એક જીવનસાથીની…..’

એ મોડી રાત્રે સિલ્કી એના પપ્પા સાથે ફોનમાં વાત કરી રહી હતી, ‘ડેડ! આઇ લાઇક નેશ. હી ઇઝ ડિફરન્ટ! હી ઇઝ એમેઝિંગ! આઇ વોન્ટ યુ સ્ટે ઓવર હિઅર. ડોન્ટ વોન્ટ ટુ કમ બેક ટુ બ્રિટન.’

શીર્ષક પંક્તિ: હરીન્દ્ર દવે

લેખક : ડો. શરદ ઠાકર

વાર્તા પર આપના અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપજો, અને હવે ડૉ. શરદ ઠાકર સરની વાર્તાઓ વાંચો અમારા પેજ પર.

error: Content is protected !!