રુચિબેન લાવ્યાં છે ચટાકેદાર બધાને ભાવે તેવું “ગુવાર ઢોકળીનું શાક”, તો આજે જ બનાવજો હો

ગુવાર ઢોકળીનું શાક

શિયાળાની મસ્ત ઠંડી માં ગરમા ગરમ બાજરીના રોટલા , મસાલેદાર ગુવાર ઢોકળીનું શાક , લસણની ચટણી અને  ગોળ મળી જાય તો બીજું શું જોઈએ મિત્રો … કાઠીયાવાડની આ પ્રસિધ્ધ વાનગીનો પોતાનો આગવો જાદુ છે .

ઢોકળી ઘણી બધી રીતે બનાવી શકાય … ઢોકળાની જેમ બાફીને , ઘઉં અને બાજરો મિક્ષ કરી ને , એમાં મેથી ઉમેરી ને વગેરે વગેરે .. હું અહી એકદમ સરળ અને જડપી રીત બતાવીશ , હું પણ આ જ રીતથી કાયમ મારા ઘરે બનવું છું અને મારા ઘરે બધાને બહુ જ પસંદ છે. મારું આ શાક આપ પણ ટ્રાય કરી ને જણાવજો કેવું લાગ્યું ..

સામગ્રી :

 • ૩૦૦ gm ગુવાર / ગવારફળી,
 • મીઠું,
 • ૧/૨ ચમચી હળદર,
 • ૧.૫ ચમચી લાલ મરચું,
 • ૧ ચમચી ધાણાજીરું,
 • ૫-૬ ચમચી તેલ,
 • ૧/૨ ચમચી અજમો,
 • ૧/૨ ચમચી જીરું,
 • ૧ લાલ સુકા મરચુ,
 • ૧ ટમેટું , મોટા કટકા કરવા,
 • ૩ ચમચી સમારેલી કોથમીર,

ઢોકળી માટે :

 • ૫ ચમચી ઘઉંનો લોટ,
 • ૧ ચમચી ચણાનો લોટ,
 • મીઠું,
 • હળદર,
 • ૧ ચમચી લાલ મરચું,
 • ૨ ચપટી હિંગ,
 • ૧ ચમચી તેલ,

રીત :

ગુવાર ને ધોઈ લાંબા કટકામાં સુધારવો …

સામગ્રીમાં બતાવેલ બધું ભેગું કરી ઢોકળી માટે થોડો કઠણ લોટ બાંધો .

લોટમાંથી પાતળા નાના રોલ બનાવી એમાંથી નાની ઢોકળી બનાવો .. આ ઢોકળી બહુ પાતળી કે બહુ જાડી ના કરવી. નાની મોટી આપની ઈચ્છા પ્રમાણે આપ કરી શકો ..

કડાઈમાં તેલ ગરમ કરો ..

હવે તેમાં અજમો , જીરું ઉમેરી બ્રાઉન કલર ના થવા દો . હવે તેમાં લાલ સુકા મરચાના કટકા ,હિંગ , થોડું મરચું ઉમેરી ઢોકળી અને ગુવાર ઉમેરો. થોડું મીઠું નાખી સરસ મિક્ષ કરી , થોડું પાણી ઉમેરો.

કડાય ને ઢાંકી દો. ડીશ પર થોડું પાણી રાખવું . મીડીયમ આંચ પર ઢોકળી અને ગુવાર બેય સંપૂર્ણ રીતે ચડી જાય ત્યાં સુધી પકાવો . ડીશ પર નું ગરમ પાણી ધીરે ધીરે જરૂર મુજબ ઉમેરતું રેહવું .બધો મસાલો ઉમેરો ,મીઠું જરૂર મુજબ ઉમેરો .. ટામેટાના મોટા કટકા ઉમેરો .. મિક્ષ કરી સમારેલી કોથમીર ઉમેરો.. ગરમાગરમ પીરસો .. જરૂર મુજબ લીંબુનો રસ ઉમેરી શકાય છે.

બાજરીના રોટલા કે રોટલી સાથે પીરસો ..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

error: Content is protected !!