સ્ત્રીહઠ – જ્યારે એક સ્ત્રી-હઠ તમારું જીવન બદલી નાખે!!

જ્યારે એક સ્ત્રી-હઠ તમારું જીવન બદલી નાખે!!

“હઠ” એટલે કે “જીદ”. જ્યારે કોઈ જીદ કરીને પોતાનું ધાર્યું કરાવવાની ક્ષમતા ધરાવે, ત્યારે ભલભલા સંબંધોના પાયા ડેમેજ થાય છે. બહારથી દેખાતી સીધી સાદી સરળ વ્યક્તિ, જ્યારે તમને દગો કરે, ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. કાંઈક આવું જ થયું હતું જ્યારે “પ્રેમ” એ “નિશા” ની જીદ સામે હથિયાર હેઠા મુક્યા હતા.
મુંબઈ જેવા મોટા શહેરોમાં વ્યક્તિઓને પોતાને માટે સમય કાઢવો મુશ્કેલ છે. જનજીવન એટલું વ્યસ્ત છે કે અડધી જિંદગી મુસાફરીમાં જ જાણે વિતતી હોય, એમ લાગે. આવી જ જિંદગીથી અલગ, માત્ર પોતાનામાં જ મસ્ત રહેતો, પોતાની જ જાત સાથે જીવતો પ્રેમ, તેનાં પિતા સાથે મુંબઈના એક્દમ નામાંકિત એરિયામાં રહેતો. પિતા પાસે પુષ્કળ રૂપિયા અને એ પણ તેમની જાતે કમાયેલા એટલે જીવન જરૂરીયાત માટે પણ સારો એવો ખર્ચો કરી શકતા. મમ્મીના મૃત્યુ બાદ, બહેનના તરત લગ્ન થયા હતા. ચાર પાંચ વર્ષ થઈ ગયાં હશે એને પણ સાસરે ગયે.
પિતા આખો દિવસ પોતાના કામમાં વ્યસ્ત એટલે ક્યારેય પ્રેમને પૂછતાં નહીં કે તે શું કરે છે? લાઇફ પ્રત્યે કેટલો સજાગ છે? રૂપિયા કેવી રીતે કમાશે? વિગેરે. એવામાં એક દિવસ એક સદગ્રુહસ્થએ પ્રેમનાં પિતાને ફોન કરીને પૂછ્યું કે “શું તમારો પ્રેમ અમારી નિશા સાથે લગ્ન કરશે?” પિતા જરા મુંજાયા. એમને થયું કે શું જવાબ આપું? નોકરી ન કરતો તેમનો દીકરો, ઉંમર પ્રમાણે લગ્ન કરવા લાયક તો છે, પરંતુ કમાણી નથી કરતો એટલે હા કેમ પાડવી?

બહુ મનોમંથન પછી, પિતાએ વાત આગળ વધારવા માટે હામી ભરી. અને આમ પ્રેમની નિશા સાથે સગાઈ થઈ. પણ, જાણે નસીબની સામે જીતી શકાતું નથી, એમ, અચાનક એક દિવસ, પ્રેમના પિતાને હાર્ટ એટેક આવ્યો. હાર્ટ એટેક એટલો તીવ્ર હતો કે હોસ્પિટલ પહોંચતા પહેલાં જ પ્રેમના પિતા, પ્રેમને નિશાને સોંપી, આ દુનિયા છોડી જતાં રહ્યાં. કુટુંબમાં આઘાત લાગ્યો હતો. છ મહિના પછી લગ્ન હતાં. મુંબઈ જેવું શહેર, એટલે એડવાંસ બુકિંગ કરવામાં આવ્યા હતાં.ઘરનાં બીજા વડીલોનાં મંતવ્યો પછી, લગ્ન કરી લેવા એવો નિર્ણય કરવામાં આવ્યો. પ્રેમ ખુશ હતો. નિશા એક્દમ સરળ અને આવડતથી ભરપૂર છોકરી હતી. ડાંસમાં પારંગત, એવી નિશા, મળતાવડા સ્વભાવની હતી.
બસ, આમ જોતાં, છ મહિના ક્યાં જતાં રહ્યાં, એ ખબર ન પડી. લગ્નના દિવસો આવ્યા. બધાં જ સગા સંબંધી, મિત્રવર્ગ વચ્ચે ધામધૂમથી લગ્ન થયાં. દેખાવમાં સુંદર નિશા, ઘરમાં આવતા જ સૌની લાડકી બની ગઈ હતી. આમ, એમનો સંસાર શરૂ થયો.

એક, બે, ત્રણ એમ વર્ષો વિતતા ગયા. સમય જતો ગયો પણ પ્રેમ અને નિશાનો સંસાર આગળ નહોતો વધી રહ્યો. કુટુંબમાં બધાને ખુબ ઇંતેજારી રહેતી પણ બંનેએ જાણે મૌન ધારણ કર્યું હતું. પ્રેમ પણ પોતાના પિતાની શાખ અને પિતાએ કમાવેલા રૂપિયા પર જ ગુજરાન ચલાવતો. લગ્નના સાતમે વર્ષે નિશાએ પ્રેમ સામે એક જીદ કરી. તેણે પ્રેમને “નવું ઘર” લેવા કહ્યું. એ જીદ એટલી આકરી હતી કે નિશાએ પ્રેમને કહ્યું કે જો તું નવું ઘર નહીં લે તો તે બાળક માટે તૈયાર થશે નહીં. ઇમોશનલ થઈને પ્રેમએ પોતાનું ઘર વેચી, નવું ઘર લીધું. પ્રેમ, નિશાના અને તેના કુટુંબ પ્રત્યેનાં વલણથી એટલો ખુશ હતો કે ઘર એણે નિશાને નામે લીધું. નિશાના માતાપિતાને પ્રેમ પોતાનાં ગણતો. તેઓ પણ પ્રેમ અને નિશા સાથે રહેવા આવતા.
એક દિવસ અચાનક, પ્રેમ તેના કોઈ કામથી બહારગામ ગયો હતો. ચાર પાંચ દિવસ પછી તે પાછો ફર્યો. તેનાં બિલ્ડીંગમાં ઉપર ચડયો. ઘરને તાળું હતું. તેને થયું, નિશા બહાર ગઈ હશે. તેણે નિશાના મોબાઇલ પર કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કર્યો. મોબાઇલ સ્વિચ ઓફ આવ્યો. તેને થયું, નિશા કદાચ તેનાં પેરેંટ્સને ત્યાં ગઈ હશે. તેણે નિશાના પેરેંટ્સને ત્યાં ફોન કર્યો. ત્યાં પણ કોઈએ ઉપાડ્યો નહીં. આ વાતને બે કલાક થઈ ગયા. હવે પ્રેમને ચિંતા થવા લાગી. આજુબાજુ કોઈની સાથે સંબંધ નહીં એટલે પૂછે પણ કોને?

તે નિશાના પિયર તેની શોધ કરવા ગયો. તેને વળી આઘાત લાગ્યો. પિયરમાં પણ તાળું હતું. આજુબાજુ પૂછ્યું તો બધાએ કહ્યું કે “ખબર નથી, બે – ત્રણ દિવસથી આ ઘર બંધ છે. કાંઈ કીધું નથી.”
ઉદાસ થઈ પ્રેમ, મુંબઈમાં જ રહેતા તેનાં માસીને ત્યાં ગયો. તેણે બધી વાતો કરી. માસીએ તેને ધીરજ રાખવા કહ્યું. અઠવાડિયા સુધી તે રોજ ઘર પાસે જતો અને તાળું જોઈ પાછો આવતો. એક દિવસ તેનાં મોબાઇલ પર મેસેજ આવ્યો,” ઘેર આવ. તારી સાથે વાત કરવી છે “. સૌના આશ્ચર્ય વચ્ચે, એ મેસેજ નિશાનો હતો. પ્રેમ ઘેર ગયો. ઘર ખુલ્લું હતું. ત્યાં નિશા અને તેનાં પેરેંટ્સ બેઠા હતા. પ્રેમને કાંઈક અજુગતું લાગ્યું. નિશા પાણીનો ગ્લાસ લઈને આવી. પ્રેમએ પાણી પીધું.

નિશાએ હળવેકથી પ્રેમને કહ્યું, “મને ડાઇવોર્સ જોઈએ છે. ” હજી પ્રેમ કાંઈ સમજે તે પહેલા, એક વકીલ ત્યાં આવ્યા. તેમણે પ્રેમના હાથમાં લીગલ નોટિસ આપતાં કહ્યું કે “મારા ક્લાઈંટ નિશાને તમારી સાથે છૂટાછેડા જોઈએ છે. તમે આ નોટિસ પર સાઇન કરો.” પ્રેમનાં પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેણે કહ્યું કે મારે નિશા સાથે વાત કરવી છે. ” વકીલે કહ્યું કે” મારા ક્લાઈંટ તમારી સાથે વાત કરવા માંગતા નથી. અને હા, ઘર મારા ક્લાઈંટના નામે હોવાથી તમે અહીંયા નહીં રહી શકો.” પ્રેમ ખૂબ ગુસ્સે થઈને બોલ્યો કે આ ઘર મારા પપ્પાના રૂપિયામાંથી ખરીદ્યું છે. આ મારું ઘર છે. તમે નીકળી જાઓ અહીંયાથી.” પણ એ ભૂલી ગયો કે નિશાના પ્રેમમાં આંધળા થઈને ઘર નિશાને નામે કર્યું હતું.
અને ઘણી માથાકૂટ પછી, પ્રેમ, ઘરમાંથી નીકળી ગયો. છ મહિના પછી તેમના મ્યુચુઅલ ડાઇવોર્સ થયાં. પ્રેમ પાસે થોડા ઘણા રૂપિયા સિવાય કાંઈ રહ્યું નહીં અને નિશા પાસે મુંબઈમાં ઘર થઈ ગયું. રાતોરાત ઘરમાંથી બહાર નીકળેલો પ્રેમ, સમજી શક્યો નહોતો કે અચાનક થયું શું?

વાત એમ હતી કે, નિશા પ્રેમના નોકરી વગરના જીવનથી કંટાળી હતી. પણ તે વિશે તેણે પ્રેમ સાથે ક્યારેય વાત ન કરી. પ્રેમને સમજાવવા માટે તેણે જરા પણ પ્રયત્ન કર્યો નહીં. સાત સાત વર્ષ સુધી સાથે રહ્યાં પછી પણ, જો પત્ની તેનાં પતિ સાથે મુક્ત મને વાત ન કરે તો વાંકમાં તે પણ આવે છે. બીજી તરફ, પ્રેમને તેની ભૂલ સમજાવવા માટે કોઈ તેની પાસે નહોતું. પતિ અને પત્ની તરીકે બંને નિષ્ફળ રહ્યા. નિશાને ફાયદો ચોક્કસ થયો. તે પોતાના ડાંસ શો કરીને કમાતી. અને ઘર તો હતું જ તેની પાસે. પ્રેમ હવે મુંબઈ છોડીને બીજા શહેરમાં સેટલ થવા પ્રયત્ન કરવા લાગ્યો. ક્યારેય સરખી નોકરી ન કરનાર પ્રેમ, નોકરી પણ કરવા લાગ્યો અને જીવન માટે સિરિયસ પણ થયો. આટલાં વર્ષો સુધી કુટુંબમાં ન ભળનાર પ્રેમ, પોતાનાં કુટુંબનાં સભ્યો સાથે સંકળાયેલો રહેવા લાગ્યો. નિશાએ પણ બીજા લગ્ન કર્યા અને પોતાનો સંસાર વસાવી લીધો.
શું સમજ્યા આ વાંચીને? મારા વિચારો પ્રમાણે, ઘરમાં “સમજદાર” વડીલો નહીં હોવાનો ગેરફાયદો તો છે જ. કદાચ પ્રેમ પહેલેથી તેના કુટુંબ સાથે સંકળાયેલો હોત તો કદાચ એ જ કુટુંબ, તેની આ પરિસ્થિતિમાં તેની સાથે ઊભું હોત. ડાઇવોર્સ ન થવા દીધા હોત. અને જો નિશા પાસે સમજદાર પેરેંટ્સ હોત તો તેમણે નિશાને સમજાવી હોત અને પ્રેમ સાથે પણ વાત કરી હોત. સંબંધ આમ જ પૂરો ન થયો હોત.

વડીલો ઘરમાં સેતુનું કામ કરે છે. વણમાંગી સલાહ આપવા કરતાં જો સમયે સમયે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો આવા ઘણાં “પ્રેમ અને નિશા” નો સંસાર બચી શકે. દીકરીઓને સમજદારીનું ઘરેણું અચૂક આપજો અને દીકરાઓને વ્યવહારિકતાનું. બાગ બનાવવા માળીઓએ મહેનત તો કરવી જ રહી!! અને તો જ સુંદર બાગ બને અને તેનાં ફૂલો પણ મહેકે.

અસ્તુ!!

લેખક : પ્રાપ્તિ બુચ

દરરોજ આવી અનેક સમજવા જેવી નાની નાની વાતો વાંચો ફક્ત અમારા પેજ પર. આ વાર્તા શેર જરૂર કરજો મિત્રો તમારી એક ક્લિક કેટલાય લોકોના જીવન બચાવી શકે છે…

error: Content is protected !!