ચીકુ- ચોકલેટ બોલ્સ- ચીકુ ને ચોકલેટનાં મિક્સ ટેસ્ટ વાળા આ બોલ્સ જરૂર બનાવજો, બાળકો માટે એકદમ ન્યુ ટેસ્ટ હશે….

ચીકુ- ચોકલેટ બોલ્સ

મને ખબર છે કે નામ સાંભળી ને ચોક્કસથી એવો વિચાર આવ્યો હશે કે ચીકુ ના ચૉકલેટ બોલ કેવા લાગતા હશે ???

જો તમને ચીકુ નો ટેસ્ટ પસંદ હશે તો ચોક્કસ થી આ બોલ્સ ભાવશે અને જો ચીકુ નો ટેસ્ટ પસંદ નહીં હોય તો પણ તમને આ સ્વીટ તમને ભાવશે જ કેમકે ચીકુ અને ચૉકલેટ મિક્સ થવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ બોલ્સ.

ચીકુ શેક ખૂબ જ પ્રિય હોવાથી ચીકુ નો ટેસ્ટ મને બહુ જ પસંદ છે. એટલે અવારનવાર આ સીઝન માં આ સ્વીટ બનાવું છું અને જો ચીકુ નો આઈસક્રીમ કે ચીકુ નો હલવો કદાચ તમે ટેસ્ટ કર્યો હોય તો તમને ખબર જ હશે ક ચીકુ ની સાથે ચૉકલેટ નો ટેસ્ટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને આ કોમ્બિનેશન ખૂબ જ યુનિક અને ટેસ્ટી છે.

તમારા ઘરે જ્યારે ચીકુ લાવો ત્યારે ચોક્કસ થી બાળકો માટે બનાવજો આ રેસિપી..

ચીકુ- ચોકલેટ બોલ્સ માટે ની સામગ્રી:-

 

  • 5- 6 નંગ મોટા ચીકુ,
  • 100 ગ્રામ મોળો માવો,
  • 2 ચમચા સૂકા ટોપરનું છીણ,
  • 2 ચમચી કોકો પાવડર,
  • 2-3 ચમચા ખાંડ,
  • 1 ચમચી ઘી.

રીત:-

સૌ પ્રથમ ચીકુ ને ધોઈને સાફ કરી લો અને છાલ નીકાળી ને નાના કટકા કરી લો.

હવે એક કડાઈ માં ઘી મુકો , ગરમ થાય એટલે ચીકુ ના કટકા નાખી ને મીડિયમ આંચ પર 3-4 મિનીટ સાંતળો.ત્યાર બાદ માવો ઉમેરી ને ધીમી આંચ પર 5-7 મિનીટ બરાબર પકાવો.

આ મિશ્રણ ને સતત હલાવતા રહો. અને ચમચા થી ચીકુ ને પ્રેસ કરતા જાવ એટલે ચીકુ ક્રશ થતા જાય . ચીકુ ના ઝીણા ટુકડા રહેશે જે સ્વાદ માં વધારો કરશે.

 

હવે ખાંડ , કોકો પાવડર અને સૂકું ટોપરા નું છીણ ઉમેરી ને ધીમી આંચ પર 8-10 મિનીટ બરાબર પકાવો. જ્યારે મિશ્રણ થોડું ઘટ્ટ બને અને કડાઈ માં લચકા જેવું બને એટલે ગેસ બંધ કરી દો. સામાન્ય ઠંડુ થાય એટલે ફ્રીઝ માં 2-3 કલાક માટે મૂકી દો.

એવું કરવાથી બોલ સારા વળશે . હવે ફ્રીઝ માં થી નીકાળી લો અને નાના બોલ વાળી લો. આ બોલ ને સૂકું ટોપરું અને ખાંડ ના ભુકા ના મિક્સ કરેલા મિશ્રણ માં રગદોળી લો.

 

તૈયાર છે ખૂબ જ સ્વાદિષ્ટ ચીકુ- ચૉકલેટ બોલ્સ. કોઈ પણ ટાઈમ પર ખાઈ શકાય એવી આ સ્વીટ છે.બાળકો ને ખૂબ જ પસંદ પડશે.

આ બોલ ને ફ્રીઝ માં 4-5 દિવસ સ્ટોર કરી શકાય છે.

નોંધ:-ખાંડ સ્વાદાનુસાર ઉમેરો. ચીકુ બહુ ગળ્યા હોય તો ખાંડ ઓછી ઉમેરો. તમે ઇચ્છો તો ડ્રાયફ્રુટ નો ભુકો પણ ઉમેરી શકો છો. તમારે બોલ ના બનાવા હોય તો હલવો પણ સર્વ કરી શકો. એવું કરવા માટે મિશ્રણ ને ફ્રીઝ માં ના મુકો. અને બહુ ઘટ્ટ ના થવા દો. ગરમ પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. આ બોલ વાળવા માં મુશ્કેલી લાગે તો કાજુ નો ભુકો કે મેરીગોલ્ડ ના બિસ્કિટ નો ભુકો પણ ઉમેરી શકાય..

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

error: Content is protected !!