ધો.૧૦માં ગણિતનું પેપર ૨૦ વર્ષમાં સૌથી અઘરું નિકળવવા બાબતે… એક પત્ર શિક્ષણ બોર્ડને…

કેનેડાથી મૌલિક જગદીશ ત્રિવેદી દ્વારા શિક્ષણ બોર્ડને પત્ર-લેખન

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ
ગાંધીનગર

વિષય : ધો.૧૦માં ગણિતનું પેપર ૨૦ વર્ષમાં સૌથી અઘરું નિકળવવા બાબતે

મારે સમાચાર વાંચવામાં આવ્યા કે બોર્ડની પરીક્ષામાં ધો.૧૦માં ગણિતનું પેપર ૨૦ વર્ષમાં સૌથી અઘરું નીકળ્યું હતું. જેથી બહાર આવીને વિદ્યાર્થીઓ રીતસર રડવા લાગ્યા હતા.

ગણિતનાં શિક્ષકોએ સ્વીકાર્યું કે અમે લોકો પણ ૩ કલાકમાં આ પેપર પૂરું કરી શકીએ નહિ. જે ૧૫-૧૫ વર્ષથી ગણિત ભણાવતા હોય એ લોકો પણ જો ૩ કલાકમાં પેપર પૂરું ન કરી શકે તો ૧૫ વર્ષનું બાળક આટલું અઘરું પેપર કઈ રીતે પૂરું કરી શકે ?

ગણિતનું પેપર અઘરું કાઢનાર શિક્ષકોની જાણ ખાતર કે World Health Organization ( WHO )ના આંકડા પ્રમાણે આખી દુનિયામાં વિદ્યાર્થીઓનાં આપઘાત સૌથી વધુ ભારતમાં થાય છે. દર વર્ષે હિન્દુસ્તાનમાં આશરે ૩૦૦૦ વિદ્યાર્થીઓ આપઘાત કરે છે. આ માટે સૌથી વધુ જવાબદાર આજની શિક્ષણપ્રણાલી અને અતિશય અઘરા પેપર કાઢનારા શિક્ષકો છે.

ગણિતનું પેપર ટફ નીકળ્યું એટલે સ્વભાવિક છે કે વિદ્યાર્થીઓને એમના ગોલ કરતા કમ સે કમ ૫-૧૦ ટકા ઓછા આવશે. પરિણામે, એમના માબાપે વધુ પડતા ટકાની અપેક્ષાઓ રાખી હશે એ પુરી નહિ થાય. શિક્ષકોની નિર્દયતા અને માબાપની વધુ પડતી અપેક્ષાઓ વચ્ચે આજના વિદ્યાર્થીઓ સેન્ડવિચ બની ગયા છે.

આપણે એક એવી દિશાવિહીન શિક્ષણપ્રણાલી ઉભી કરી દીધી છે કે ૧૫-૧૬ વર્ષનું બાળક પ્રેમથી પોતાના માબાપને ગળે લગાડવાને બદલે એ દોરડાને ગળે લગાવે છે.

પેપર અઘરું ગયું એટલે ઘણા વિદ્યાર્થીઓ ડિપ્રેસનમાં આવી ગયા હશે. ન કરે નારાયણ અને એમાંથી કોઈ વિદ્યાર્થી આપઘાત કરી લે તો એના મૃત્યુ માટે જવાબદાર કોણ ?

હું પોતે જયારે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં હતો ત્યારે અમારું થિયરી અને ગુજકેટ બંનેમાં ગણિતનું પેપર અતિશય અઘરું નીકળ્યું હતું. જયારે તમે આખું વર્ષ મહેનત કરી હોય અને પેપર અઘરું નીકળે ત્યારે એક વિદ્યાર્થી અને તેના માબાપની શું હાલત થાય એ અમારા પરિવારે દુઃખદ રીતે અનુભવ્યું છે.

હું ભારતમાં ૧૬ વર્ષ ભણ્યો અને છેલ્લા એક વર્ષથી કૅનેડામાં અભ્યાસ કરી રહ્યો છું. હું ભારતમાં જયારે પરીક્ષા આપવા જતો ત્યારે મને હંમેશા ટેન્શન રહેતું પરંતુ કૅનેડામાં હું આનંદથી પરીક્ષા આપવા જાઉં છું અને હસતા ચહેરે બહાર નીકળું છું કારણ કે અહીંયા શિક્ષકો દરેક પરીક્ષામાં મહત્ત્વનાં પ્રશ્નો આપી દે છે અને તેમાંથી જ પુછાય છે.

મહત્ત્વનાં પ્રશ્નો પણ એવા હોય છે જે ભવિષ્યમાં તમને નોકરી-ધંધામાં પણ ઉપયોગી થાય. પરીક્ષામાં કેટલા ટકા આવ્યા એનું કોઈ મહત્ત્વ અહીંયા નથી. એટલા માટે, પરીક્ષાનો કોઈ ડર વિદ્યાર્થીઓમાં જોવા નથી મળતો.

આ પ્રકારની ચિંતામુક્ત પરીક્ષાઓ ભારતમાં પણ વહેલી તકે શરુ થવી જોઇએ. માધ્યમિક શિક્ષણ બોર્ડમાં પેપર કાઢનારા તમામ શિક્ષકોને નમ્ર વિનંતી કે અટપટાં પ્રશ્નો પૂછવાનું બંધ કરો. વિદ્યાર્થીઓ સમગ્ર વર્ષ દરમિયાન જે ભણ્યા હોય અને તમે જે બ્લુ પ્રિન્ટ આપી હોય તેમાંથી જ પ્રશ્નપત્ર બનાવો અને વિદ્યાર્થીઓનાં મગજમાંથી પરીક્ષાનો ડર દૂર કરો.

હું આશા રાખું કે આ પત્ર ગણિતનું અઘરું પેપર કાઢી વિદ્યાર્થીઓને રડાવનારા શિક્ષકો સુધી પહોંચે તથા ભગવાન તેમને સદબુદ્ધિ આપે.
બોર્ડની પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓને એમની અપેક્ષા પ્રમાણે પરિણામ આવે અને ખાસ તો ગણિતમાં ખુબ સારા માર્ક્સ આવે એવી શુભકામના.

એજ લિખિતંગ
૧૬ વર્ષ સુધી સમગ્ર સિલેબસ ગોખીને ટેન્શન સાથે પરીક્ષા આપનારો વિદ્યાર્થી

લેખક : મૌલિક જગદીશ ત્રિવેદી

દરરોજ અનેક અલગ અલગ વિષય પર અનેક માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર તમે લાઇક કર્યું કે નહિ???

error: Content is protected !!