બદલો – કોઈની ભૂલની સજા તમે પણ બીજા કોઈને તો નથી આપી રહ્યા ને…

બદલો

નિરાલી ઓફિસથી આવીને સોફામાં ફસડાઈ પડી. ‘હાય! બહુ થાકી જવાય છે આજકાલ.’
માધવીબહેને વહેલાં વહેલાં આવીને નિરાલીને પાણી આપ્યું અને સારિકાને ચા લાવવા બૂમ પાડી.
‘સારિકા, જરા જલદી ચા લાવજે. ડબ્બામાંથી થોડો નાસ્તો પણ લેતી આવજે.’
‘અરે મમ્મી, એવી બધી કોઈ જરૂર નથી. આ તો થાકી જવાય એટલે બોલાઈ ગયું. થોડી વારમાં બધાં જમી જ લઈશું ને?’
‘ના, ના. તું થાકીને આવી છે તો પહેલાં ચા પી લે. ભૂખી પણ હોઈશ એટલે પેટમાં થોડું ઓરી દે તો તાઝગી પણ આવી જાય. ગૌરવ અને પપ્પા આવે એટલે બધાં જમી લઈશું. સારિકા…ચાલ તો કેટલી વાર ચા બનાવવામાં?’ માધવીબહેનનો અવાજ ચાનો ઓર્ડર છોડતાં મોટો થઈ ગયો.

માની આ તોછડી જબાન નિરાલીને બિલકુલ પસંદ નહોતી. કેટલીય વાર ના પાડેલી તોય સારિકા સાથે વાત કરતાં મમ્મીનો અવાજ ઊંચો જ થઈ જતો. જો કે, નિરાલી સારિકાને પ્રેમથી સાચવી લેતી. કદાચ એના સહારે જ સારિકા સાસુની વાતોને મનપર લેતી નહીં. હમણાં હમણાં તો પંકજભાઈના અવાજમાં પણ બદલાવ આવ્યો હતો. સારિકાને કોઈ પણ કામ સોંપતાં પહેલાં પંકજભાઈના અવાજમાં રૂક્ષતા ભળી જતી અને સારિકાના નાજુક દિલ પર ઘસરકા કરી જતી. બહુ સાચવવા છતાંય સારિકા સાસુ ને સસરાને ખુશ કરી શકી નહોતી. એક દેખીતી દિવાલ ચણાઈ ગઈ હતી. એક તરફ સાસુ–સસરાનો કડપ હતો, વહુની વાતોનો જ વિરોધ હતો અને વાતે વાતે જાતજાતની વરણાગી હતી. સામે પક્ષે નરી નિર્દોષતા, વડીલોનો આદર અને કામ કરવાની હોંશ હતી–ધગશ હતી. સારિકાની ખૂબીઓ જોનાર અને સમજનાર ફક્ત નિરાલી હતી.

ગૌરવને નવા જામેલા ધંધાની ભાગદોડ અને ફિકરમાં સારિકાની ફિકર કરવાનું યાદ આવતું પણ એવો સમય જ એની પાસે ક્યાં હતો, કે બે ઘડી એની વાતો સાંભળે ને એને સમજે કે સાથ આપે– આશ્વાસન આપે! એમ પણ ગૌરવ સામે કે કોઈની સામે પણ સાસરિયાની ખામી બતાવવાનું કે એમની ફરિયાદો કરવાનું સારિકા શીખી જ નહોતી. એ તો બસ, સૌને ખુશ કરવાના પ્રયત્નોમાં જ રચેલીપચેલી રહેતી. માબાપે વિદાયને દિવસે એક જ સલાહ આપેલી, ‘સાસરિયાંને પોતાનાં ગણજે ને સૌ સાથે સંપીને રહેજે.’ બસ, આ એક જ વાત પર સારિકા દિવસો પસાર કરતી હતી. નિરાલીને ચા નાસ્તો ધરતી વખતે સારિકાના હાથ ધ્રૂજતા હતા. નિરાલીની નજરમાં એ કંપન કેમ ન આવે? મમ્મીના ગયા પછી ઈશારાથી નિરાલીએ સારિકાને પોતાના રૂમમાં બોલાવી.

‘શું વાત છે ભાભી? તબિયત નથી સારી કે આજે પાછું મમ્મીએ મહાભારત છેડ્યું? જે હોય તે કહી જ દેજો. તમને ખબર છે કે મને ગોળ ગોળ વાતો પસંદ નથી.’
‘મમ્મી ને પપ્પા મને છ મહિના માટે પિયર મોકલી રહ્યાં છે. બધી રસોઈ બરાબર ન આવડે ત્યાં સુધી આવતી નહીં એવું કહી દીધું છે.’ બોલતાં બોલતાં તો સારિકા નિરાલીને વળગીને ધ્રુસ્કે ચડી ગઈ. નિરાલીની આંખમાં પણ પાણી તો આવી ગયાં પણ, મમ્મી પપ્પા તરફનો ગુસ્સો ભડકી ઉઠ્યો. આ લોકો આ હદે જશે એવું તો એણે સ્વપ્નેય નહોતું વિચાર્યું.

એની આંખ સામે પોતાનો ભૂતકાળ ખડો થઈ ગયો. માબાપના લાડપ્યારે એને ઘરકામથી દૂર જ રાખેલી. દેખાવે સુંદર અને ભણવામાં હોશિયાર નિરાલી કોઈને પણ પહેલી નજરે જ પસંદ પડી જતી. સાગરને પણ પસંદ પડી ગઈ અને એમનાં લગ્ન લેવાઈ ગયાં. નિરાલીની ઘરકામની અણઆવડત વિશે પહેલેથી જ સાસરામાં ચોખવટ થઈ ગયેલી એટલે નિરાલીનાં માબાપને શાંતિ હતી. ‘નિરાલી અમારી પણ દીકરી જ છે ને? તમે બિલકુલ ચિંતા ના કરો, અમે એને બધું શીખવી દઈશું. અમારે તો દીકરાની પસંદ તે જ અમારી પસંદ.’ સાસુએ ધરપત આપેલી.

રાજીખુશીથી ને નિશ્ચિંત બનીને વિદાય કરેલી દીકરી છ જ મહિનામાં રડતી ઘેર પાછી ફરી ત્યારે સૌ ચોંક્યાં. ‘કેમ શું થયું?’
‘હવે ઘરકામમાં હોશિયાર થાય પછી જ પાછી આવવાનું વિચારજે. ત્યાં સુધી પિયરમાં જ રહેજે.’
સૌ સ્તબ્ધ થઈ ગયાં. ક્યાં ગયાં એ વચનો ને ક્યાં ગઈ એ બધી મીઠી મીઠી વાતો?
ઘરમાં દીકરી સાસરેથી પાછી ફરેલી એટલે એને સાચવી લેવી બેહદ જરૂરી હતી એ સમજતાં માબાપ દીકરી આગળ કોઈ વાતનો ઉલ્લેખ સિક્કે કરતાં નહીં. નિરાલીને તો આ હડહડતા અપમાને અને ખાસ તો, બાયલા પતિએ ઊંડી ઠેસ પહોંચાડી. એણે ફરી ક્યારેય સાસરે ન જવાનો નિર્ણય ઘરમાં જણાવી દીધો અને નોકરી શોધીને ઠરીઠામ થઈ ગઈ. માબાપને લાગેલા અપમાનનો ઘાવ તો ક્યારે રુઝાય એમ હતો?

બન્યું એવું કે સારિકા પરણીને આવી ત્યાર બાદ પણ આ જ પ્રશ્ન ઊભો થયો. નિરાલીને અને ગૌરવને ખબર ન પડે એમ સારિકાની કનડગત ચાલુ થઈ ગયેલી. નિરાલીને જો પહેલેથી ખબર હોત તો વાત આટલી વધત જ નહીં. હજીય કંઈ બગડ્યું નથી એમ વિચારીને નિરાલીએ માબાપ સામે બળવો જાહેર કરી દીધો.

‘તમે લોકો આવા નીકળશો એ મેં નહોતું ધાર્યું. આટલાં નીચે ઉતરીને તમારી દીકરીના અપમાનનો બદલો તમે એક તદ્દન નિર્દોષ છોકરી સાથે લેવા બેઠાં? કયાં ગઈ એ તમારી મોટી મોટી વાતો? ‘સારિકા પણ અમારી નિરાલી જેવી જ છે ને?’ એ બોલવાવાળાં તમે જ હતાં ને? કેમ ખોટું બોલીને કોઈની દીકરીને ફસાવી? અરે, તમારે તો મારા દાખલા પરથી ભાભીને ફૂલની જેમ રાખવાની હતી. અફસોસ કે તમે આમાં નાપાસ થઈ ગયાં. મને તો આજે ખબર પડી અને ભાઈને તો આ વાતની ખબર જ નથી, તો હવે બોલો કોના સંસ્કાર ઊંચા? ભાભી ધારત તો ભાઈને કે મને ચડાવીને રોજ ઘરમાં ઝઘડા કરી શકત ને પોતાની મનમાની કરી શકત. મેં જોયું પણ એનામાં એ સંસ્કાર જ નથી. એ પરિવાર તોડવા નથી માગતાં અને તમે ધડ દઈને એનો સંસાર ઉજાડવા બેઠાં? ભૂલી ગયાં મારી વાતો? પ્લીઝ, મમ્મી ને પપ્પા પહેલાં ભાભીની માફી માગો અને એને પ્રેમથી આ ઘરમાં મારી જેમ જ સમાવી લો. ફક્ત રસોઈ કે ઘરકામમાં કોઈ કાચું હોય તેથી એ માણસ મટી જાય? એના બીજા ગુણો નહીં જોવાનાં? એમનામાં બધી આવડત હોત ને એમનો સ્વભાવ જબરો હોત તો તમને ધમકાવીને રાખત કે નહીં? એ બધું વિચાર્યું કોઈ દિવસ? બસ, સારિકાને નિરાલી ન બનાવો. એને સારિકા જ રહેવા દો.

સારિકાને બાથમાં લેતાં માધવીબહેને એની ખરા દિલથી માફી માગી અને પંકજભાઈ પણ બે હાથ જોડી આંસુ સારી રહ્યા. સારિકા તો નિરાલીનું આ રૂપ પહેલી વાર જ જોઈ રહી હતી. એ તો નિરાલીને ભેટીને હરખનાં આંસુએ ખૂબ રડી.

લેખક : કલ્પના દેસાઈ

દરરોજ આવી અનેક અવનવી વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

error: Content is protected !!